________________ પ૬૦ જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી મુંબઈ, પોષ, 1951 જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય. શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધનપરિણામનો હેતુ થાય. ‘સમયસાર'માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જ દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મમસજીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ.