________________ પ૫૮ વિષમ સંસારબંધન છેદીને મુંબઈ, પોષ વદ 10, રવિ, 1951 વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ 5 મે નિવૃત્ત થઈ સુદ 8 મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે, કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમની ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી, કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્ત તે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી; તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે, જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, એમ વિનંતિ છે. ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.