________________ 554 ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે મુંબઈ, પોષ સુદ 10, 1951 શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી લિવ .... આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીનો પ્રસંગ નથી, પણ તેવો પ્રસંગ હોય તોપણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી. રેવાશંકરભાઈ આવ્યથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે; દ્રવ્યવ્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે. અમારું કલ્પિત માહાત્મ ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. એ જ વિનંતી. પ્રણામ.