________________ 544 આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે મુંબઈ, કારતક વદ 13, રવિ, 1951 આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો; તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મુઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે, થતી નથી, અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશો. વિશેષ આપનું પત્ર આવ્યથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જ વિનંતી.