________________ ભાઈબહેનોને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલો લક્ષ રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઇચ્છો છો. અને વળી તેથી નિવૃત્તિ ઇચ્છો છો. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી ક્રૂરતું હશે તોપણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં-વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાર્તા આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમકે તે અમને મોઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. પ્રણામ.