________________ પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સપુરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. શ્રી તીર્થકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જ૫, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.