________________ પ૨૮ સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી મુંબઈ, આસો સુદ 11, બુધ, 1950 સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે, કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ: લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છદ્મસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.