________________ 525 આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે મુંબઈ, ભાદરવા સુદ 10, રવિ, 1950 આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજ ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે, અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થને વખાણ્યો છે, તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તોપણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેચવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ.