________________ 510 બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો મુંબઈ, અસાડ સુદ 6, રવિ, 1950 શ્રી સ્તંભતીર્થસ્થિત, શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે :બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી, તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે, કોઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હજુ સુધી તો પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી. જે મોહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિટંબણાનો હેતુ છે. જ્ઞાનીપુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રાનો તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયોગ્ય છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે.