________________ કર્યા કરે છે. એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે” એ આદિ જે શિક્ષા છે તે ‘ઉપદેશજ્ઞાન’ છે. “આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દ્રષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે ‘સિદ્ધાંતજ્ઞાન’ છે.” વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષજીવે કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ મુમુક્ષજીવ સંદેશો - શંકા પામે છે, અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્વળ ક્ષયોપશમ અને સદગુરૂના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સગુરૂથી કે સશાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજ ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે, અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે - વિસ્તારેલ છે, માટે નિઃસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સગ્રંથો વિચારવા યોગ્ય છે. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચયી શ્રી દેવકરણજીનું મન અટકતું હતું, અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત્ અમને ઉદયમાં વર્તે છે; અને તેવા વ્યવહારનો ઉદય દેખી ઘણું કરી “ધર્મ સંબંધી’ સંગમાં અમે લૌકિક, લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે, પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું, માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તો સંગનું ફળ કોઈ રીતે થવું સંભવે છે.