________________ 492 મુમુક્ષુજનના પરમ હિતસ્વી મુંબઈ, ફાગણ, 1950 મુમુક્ષજનના પરમ હિતસ્વી, મુમુક્ષપુરુષ શ્રી સોભાગ, અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. હાલ કંઈ સત્સંગજોગ મળે છે કે કેમ ? તે અથવા કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ ? તે લખવામાં આવતું નથી તે લખશો. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેચવામાં આવે તો જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા.