________________ 490 ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે મુંબઈ, ફાગણ વદ 11, રવિ, 1950 ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે, એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાય ગુટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી, પણ બીજા પ્રકારને વિષે તો કેવળ ઉદાસીનતા જ છે, અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે, એવી તે પ્રકાર પ્રત્યે નિરિચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે.