________________ 483 તમારાં પત્રો પહોંચ્યાં છે. તે સાથે મોહમયી, માહ વદ 4, શુક્ર, 1950 પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. તમારાં પત્રો પહોંચ્યાં છે. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે, તે પ્રથમ વિચારભૂમિકામાં વિચારવા જેવા છે. જે પુરુષે તે ગ્રંથ કર્યો છે, તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યાં છે. અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી; એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા; અને એવા વિચારની વિચારણા કરવા વિષે તમને તથા ગોસળિયાને જણાવ્યું હતું. તેમ જ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિષે કહ્યું હતું, અથવા કહ્યાનું થઈ આવે છે કે, જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સઅસનો પૂરો વિવેક થઈ શકે. હાલ સાત આઠ દિવસ થયાં શારીરિક સ્થિતિ પૂરગ્રસ્ત હતી, હમણાં બે દિવસ થયાં ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે. વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્દભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્યરૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધનિવર્તનરૂપ છે. સવિગત જ્ઞાનવાર્તાનો હવે પત્ર લખશો, તો ઘણું કરી તેનો ઉત્તર લખીશું. લિ૦ આત્મસ્વરૂપ.