________________ 482 હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી મુંબઈ, પોષ વદ 14, રવિ, 1950 હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી તેમાં, ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપે છે. (ચિત્તનું ઇચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે, ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે.) અમે એમ વેડ્યું છે કે, જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કામનો આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં, જોકે તીર્થકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાએ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં, અને તો જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે; એવો અસંદેહ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે, એમ અમને લાગે છે. જ્વરાદિ રોગમાં કંઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો તેમ આ ભાવોને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે.