________________ 480 કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો મુંબઈ, પોષ સુદ 5, 1950 કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાધ છે. અને તેમાં મુમુક્ષજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવાં કામનો પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિઃશંકતા છે, તથાપિ તમને તેવે પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તોપણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યોગ્ય છે, અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે. સાથેનો ભાઈ રેવાશંકરનો કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાયો છે. જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. અને તે વિષેના પ્રસંગમાં કંઈ પણ ચિત્તવ્યાકુળતા ન થાય તેટલો લક્ષ યોગ્ય છે.