________________ 477 “માથે રાજા વર્તે છે એટલા વાક્યના મુંબઈ, કાર્તિક સુદ 9, શુક્ર, 1950 ‘માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઈહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. ‘નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવો બત્રીશ દિવસ સુધીનો કાળપારધીનો ભરૂસો શ્રી શાળિભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે’ એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉભવ થતાં હવાં. ‘તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો’ એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાળિભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર ‘જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી’ એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સપુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે.