________________ 473 એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મુંબઈ, આસો વદ 3, 1949 પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી મોરબી. પત્ર આજે 1 પહોંચેલ છે. એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે, પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખવો. હાલ તમને જે મુઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેડ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધીરજ વગર જો વેચવામાં આવે છે, તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તો જેમ બને તેમ ‘ઈશ્વરેચ્છા’ અને ‘યથાયોગ્ય’ સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દોહરા વિષે લક્ષમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઇચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપનો કાગળ આવ્યથી. આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યો છે, તથાપિ વિચારવા યોગ્ય છે. બોધજ્ઞાન લક્ષ ઉપર છે. પ્રણામ પહોંચે.