________________ 470 જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે મુંબઈ, આસો સુદ 1, મંગળ, 1949 ‘જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો, તે યોગ્ય છે; અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું યોગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બન્નેનો ભક્તિરાગ છે એવું બેય એક ગુરૂપ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઈ જેવી બુદ્ધિએ, તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગવાસિષ્ઠાદિ વાંચવા યોગ્ય છે. આ પત્તાનો અર્થ તમને જે સમજાય તે લખજો.