________________ 463 અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુંબઈ, શ્રાવણ સુદ 15, રવિ, 1949 પરમસ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપનો તથા ગોસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપાર પ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિજોગ વેચવા પડે છે, જોકે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે. લિ૦ -પ્રણામ.