________________ 461 આપને પ્રતાપે અત્રે કુશળતા છે મુંબઈ, શ્રાવણ સુદ 4, મંગળ, 1949 પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે. શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર-ઈચ્છા હશે તો શ્રાવણ વદ 1 ની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. કયે ગામ, અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝયું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું. તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય, તો પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ. કોઈ જીવ સામાન્ય મુમુક્ષ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે ? કે જે ખાસ સંસારસુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત ત્યાગ જેવાં રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મુઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુઝાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઈ મુમુક્ષભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બન્ને ઈશ્વરેચ્છા શું ધારો છો? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવાર્તા લખશો. એ જ વિનંતી. પ્રણામ.