________________ કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી પ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. શું લખીએ ? અને શું કહીએ ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.