________________ 444 સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તો સારું મુંબઈ, ચૈત્ર વદ 0)), રવિ, 1949 સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તો સારું, એમ કદાપિ ભાસે, તોપણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે, તે તાપનો યોગ મટ્યથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિ જોગ અમને છે; પણ અમારો તે પ્રવૃત્તિ વિષે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. નમસ્કાર પહોંચે.