________________ 433 શ્રી કૃષ્ણાદિના સમ્યકત્વ સંબંધી પ્રશ્નનું મુંબઈ, ફાગણ સુદ 14, 1949 શ્રી કૃષ્ણાદિના સમ્યકત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિષેનું આપનું પતું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે, તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે. કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે ‘આવો’ ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે વેદવા યોગ્ય આત્મસ્વરૂપ.