________________ 425 ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી મુંબઈ, માગશર વદ 8, સોમ, 1949 ઉપાધિ વેચવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુ:ખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે, અને તે દુ:ખ પોતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે, અને તે વિટંબના વિષે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે, અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિરૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂઝે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવે છે.