________________ 414 જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપણાને કારણે મુંબઈ, આસો, 1948 જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ “સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધકર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઇચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ ‘નિદ્રાકાળ', ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તોપણ આત્મોપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, એમ નિઃસંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં ‘સર્વથા’ અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાનીપુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કદાપિ જ્ઞાનીપુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વનો સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી. જ્ઞાનીપુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છેદપણે, કામનાએ કરી, રસ કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, ‘અનુપયોગપરિણામી’ થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થકરનો આશય છે.