________________ 408 જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે મુંબઈ, ભાદરવા વદ 8, બુધ, 1948 ૐ નમસ્કાર જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે - કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે, એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું, અને કર્તા તરીકે ભાયમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષીપુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. (‘ધર્મ' શબ્દ આચરણને બદલે છે.) એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.