________________ 387 જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી મુંબઈ, શ્રાવણ સુદ, 1948 જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે - ક્રમે કરી જ્ઞાની થાય છે. આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે, - 1‘જિન થઈ ‘જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. અમને પણ અત્રે ઉપાધિજોગ વર્તે છે, અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે. 1 પાઠાંતર : જિન સ્વરૂપ થઈ જિન આરાધે..