________________ 384 શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે મુંબઈ, અસાડ સુદ 9, 1948 શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ ‘દુસમ કળિયુગ' નામનો કાળ છે. તેને વિષે વિહળપણું, જેને પરમાર્થને વિષે નથી થયું. ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિષે ‘બીજો શ્રી રામ’ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દ્રષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાયનો બાકીનો જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યફપરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. મોટા આશ્ચર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અર્હત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દ્રષ્ટિભ્રમ - અનાદિકાળનો - મટ્યો નથી, જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે, એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. નમસ્કાર પહોંચે.