________________ 377 આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે મુંબઈ, વૈશાખ, 1948 ‘યોગ અસંખ કે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવ પદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે.’ આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખ દુ:ખ હર્ષ શોકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને ‘પ્રારબ્ધ’ ‘ઈશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ‘ઈશ્વરેચ્છા' એ શબ્દ પણ અર્થાતરે જાણવા યોગ્ય છે. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી વ્યક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજપરિણામી છે; સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે, કર્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે, માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણે તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.