________________ 371 આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય, મુંબઈ, વૈશાખ વદ 13, ભોમ, 1948 શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે, અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્યા કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિષે બાધ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ, તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુઉપયોગે વિચારી વર્તવાનું ઇચ્છવું. તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી, પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્યાના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. શ્રી સ્વરૂપના યથાયોગ્ય.