________________ 357 જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. મુંબઈ, ચૈત્ર વદ 5, રવિ, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય, તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સન્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.