________________ ૩૫ર તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો. મુંબઈ, ચૈત્ર સુદ 9, બુધ, 1948 શુભોપમાયોગ્ય મહેતા શ્રી 5' ચત્રભુજ બેચર, તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યું ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. લિ૦ રાયચંદના પ્રણામ. 1 શ્રી 5 = પાંચ શ્રી (શ્રી શ્રી શ્રી શ્રી શ્રી) માનવાચક સંબોધન.