________________ 347 જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. મુંબઈ. કાગણ ત મુંબઈ, ફાગણ વદ 0)), સોમ, 1948 આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે, વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. તમારાં ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ. તેમાં મન પણ પરી રીતે દઈએ છીએ. તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે. આખો લોક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જ ‘કર્તવ્યરૂપ શ્રી સત્સંગ’ તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, ‘વૈભવથી’, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે, જેથી હાલ તો તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.