________________ 341 અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. મુંબઈ, ફાગણ વદ 4, ગુરૂ, 1948 અહીંથી ગઈ કાલે પત્ર 1 લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરમાર્થદ્રષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દ્રષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પત્રોની પણ ઘણીખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષનાં બે મુખ્ય કારણ કે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.