________________ 337 જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, મુંબઈ, ફાગણ સુદ 11, ગુરૂ, 1948 ચિ૦ ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.