________________ 335 ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે. મુંબઈ, ફાગણ સુદ 10, બુધ, 1948 ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. ‘સપુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?' એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. એક અર્ધી-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી, મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ. નમસ્કાર પહોંચે.