SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 334 હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, મુંબઈ, ફાગણ સુદ 10, બુધ, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. *હવે પછી લખીશું, હવે પછી લખીશું' એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિત્તસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. ‘સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વત્ય કરે છે. હાલ ત્યાં કંઈ વાંચવા, વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્ત લખશો. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે.
SR No.330454
Book TitleVachanamrut 0334 PS
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy