________________ 332 આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે મુંબઈ, ફાગણ સુદ 4, બુધ, 1948 આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે.