________________ 321 અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે મુંબઈ, માહ વદ 2, રવિ, 1948 અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - (ગૃહસ્થપણા સહિતની) - તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માથાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગરૂ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.