________________ 319 અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે મુંબઈ, માહ સુદ 5, બુધ, 1948 અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં, પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિદંગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપમૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !