________________ 304 યથાયોગ્ય વંદન સ્વીકારશો વવાણિયા, કાર્તિક સુદ, 1948 યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાત મન મળતું નથી. પરમાર્થ મૌન’ એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે, અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે, નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી ‘સત’નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે, અને તે પણ મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગુંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી.