________________ 299 ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; વવાણિયા, કાર્તિક સુદ 7, રવિ, 1948 ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.