________________ 291 આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. વવાણિયા, આસો વદ 12, ગુરૂ, 1947 પૂર્ણકામ ચિત્તને નમોનમઃ આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવાં તમારાં બન્નેનાં પત્રનો ઉત્તર શાથી લખવો તે તમે કહો. ધર્મજના સવિગત પત્રની કોઈ કોઈ બાબત વિષે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી, એટલે જણાવી નથી. ત્રિભવનાદિકની ઇચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઇચ્છા છે; અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતાં સૂઝતાં લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહો છો તે લખશો. તમારી ઇચ્છા અમારાં વચનાદિક માટે હોઈ પત્ર ઇચ્છતી હશે, પણ ઉપર જણાવ્યાં છે જે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિષે વિગતથી પત્ર લખવાની ઇચ્છા હતી, તેનો પણ વિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત આટલાં વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવ્ય, કહીએ તો કહીએ. લખવાનું બને તેમ નથી લાગતું. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.