________________ 285 અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. વવાણિયા, આસો સુદ 7, શુક્ર, 1947 અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. આ પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે : 1-2-3, એ ત્રણે પ્રશ્નો સ્મૃતિમાં હશે. એમાં એમ જણાવ્યું છે કે, '(1) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું? (2) એ આઠ વાદથી કોઈ જુદો મારગ આદરવા જોગ હોય તો તે જાણવા સારુ આકાંક્ષા છે. (3) અથવા આઠે વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ ન્યૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે ? અને છે તો શું ?' આમ લખ્યું છે, તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં દર્શનોમાં - સંપ્રદાયોમાં - માર્ગ કંઈક (અન્વય) જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણ સમ્યકજ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. ‘તીર્થકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થકર છે ? અને જાણે તો શી રીતે ?' એના ઉત્તરમાં : સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ ‘અવધિજ્ઞાનથી’ તીર્થકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી ‘જન્મથી' તીર્થકર અવધિજ્ઞાનસંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યકજ્ઞાની દેવતાઓ તીર્થકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. મુમુક્ષતાની સન્મુખ થવા ઇચ્છતા તમો બન્નેને યથાયોગ્ય પ્રણામ કરું છું. ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. શાંતમૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે.