________________ 282 અત્રે ભક્તિ સંબંધી વિઠ્ઠલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું. વવાણિયા, ભાદ્રપદ વદ 14, ગુરૂ, 1947 પરમ વિશ્રામ સુભાગ્ય, પનું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિહલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું. મહાત્મા વ્યાસજીને એમ થયું હતું. તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજો હતો; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં, એ ત્રણેમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે વા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાં તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી, કેવળજ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઇચ્છા શું છે ? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થસંબંધ અને કામસંબંધ તો ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ? સહન જ કરવું એ સુગમ છે.