________________ 275 સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઇચ્છા સુખદાયક કેમ મનાય ? વિવાણિયા, ભા. વદ 5, બુધ, 1947 આજે આપનું પતું 1 આવ્યું. તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભર્યું છે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઇચ્છા સુખદાયક કેમ મનાય ? તથાપિ માનવી પડે છે. ....ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઇચ્છા ‘સત’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તો કાંઈ સ્વાર્થ નથી, એટલે કહેવું યોગ્ય છે કે કેવળ ‘સત’થી વિમુખ એવે માર્ગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઇચ્છે છે. આશ્ચર્યકારક તો એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે.