________________ 259 સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદેવ સુખરૂપ જ હોય છે મુંબઈ, શ્રાવણ સુદ 11, બુધ, 1947 પરમ પૂજ્યજી, આપનો કાગળ 1 ગઈ કાલે કેશવલાલે આપ્યો. જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભકિતના અંશો પ્રાપ્ત થયા છે. એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.” આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમ કહીશું. શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું. ‘જ્ઞાનધારા’ સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારું ચિત્ત તો બહ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે, એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી જોગ્યતાવાળા જીવ છે, એમ અમે જાણીએ છીએ; પણ હરિની ઇચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે; કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લિવ ઈશ્વરાર્પણ