________________ 250 ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે મુંબઈ, જેઠ સુદ 15, રવિ, 1947 ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. ગઈ કાલે એક પતું અને આજે એક પત્ર ચિ૦ કેશવલાલ તરફથી મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મટી. અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું, અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ. ચિ૦ કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વરેચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રેર્યો કરાવવા ઇચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમાશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઇચ્છા કરવી, એ વાત વિષે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વરેચ્છા વિલંબવાળી હશે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મુઝવ્યા છે. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે, પણ નિરુપાયતાનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લખું . આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. લિ૦ આજ્ઞાંકિત રાયચંદ્ર