________________ 248 શા માટે કંટાળો આવે છે, આકુળતા થાય છે ? તે લખશો મુંબઈ, વૈશાખ વદ 8, રવિ, 1947 ૐ નમઃ શા માટે કંટાળો આવે છે, આકુળતા થાય છે ? તે લખશો. અમારો સમાગમ નથી, તે માટે તેમ થાય છે, એમ જણાવવાનું હોય, તો અમારો સમાગમ હાલ ક્યાં કરાય એવું છે ? અત્રે કરવા દેવાને અમારી ઇચ્છા નથી રહેતી. બીજી કોઈ સ્થળે થવાનો પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી. પૂજ્ય સોભાગભાઈનો સમાગમ કરવાની ઇચ્છામાં અમારી અનુમતિ છે. તથાપિ હજુ તેમનો સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી; એમ જાણીએ છીએ. અમારો સમાગમ તમે (બધા) શા માટે ઇચ્છો છો, તેનું સ્પષ્ટ કારણ જણાવો તો તે જાણવાની વધારે ઇચ્છા રહે છે. ‘પ્રબોધશતક' મોકલ્યું છે તે પહોંચ્યું હશે. તમો બધાને એ શતક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવો લક્ષ સાંભળનારનો પ્રથમ થવો જોઈએ. બીજા કંઈ કારણથી મોકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમો જાણી શકશો. હાલ તમોને કોઈ તેવું બોધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની મોકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઈએ, તેનો તમારે વિચાર કરવો. સાંભળતાં કોઈએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યો છે, તે મત અમારો છે, માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારો કામના છે, માટે મોકલ્યું છે, એમ માનવું. ભાઈ દામોદર અને મગનલાલના હસ્તાક્ષરનો કાગળ ઇચ્છીએ છીએ. તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે.