________________ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો ? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો. અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખબર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે, માટે તે રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હરિની માયા અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપાવી દે તો નિરુપાયતા છે, અને એટલો પણ શોક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.